Оберіть трек для відтворення

Сингл / Трек
ભલે પ્રકટ્યા શ્રી વલ્લભદેવ શ્રી પુરુષોત્તમ ભૂતલ ફરી જી
નહિ પ્રાકૃત ધર્મનો લેશ અપ્રાકૃત નિજ વપુ ધરી જી
કરે નિગમ નિરૂપણ એમ તે સાકારની સ્તુતિ કરી જી
મહા કલિકાલદિક દોષ પંડિત ની દૃષ્ટિ તિમિર ભરી જી
મહિમા નવ જાણે જેહ તે કહીએ ખરા સુર અરી જી
વહાલે દયા કરી મુખરૂપ નિજ લીલા પ્રકટ કરી જી
જેની વાણી અતિ દુર્ભોધ થાય સુબોધ જેને કરી જી
જેના અષ્ટોત્તર શત નામ તે કહીએ મહા અઘ હરી જી
જેના ઋષિવર અગ્નિકુમાર જગતી છંદ નામે ધરી જી
શ્રી કૃષ્ણ કમળ મુખ દેવ બીજ દૃષ્ટિ કરુણા ભરી જી
જેની ભક્તિમા અંતરાય તે નાશનું પ્રયોજન સહિ જી
આપે અધરામૃતની સિદ્ધિ તે વચ્ચે નિશ્ચય કરી જી
વહાલો આનંદ પરમાનંદ કહેવાય શ્રી કૃષ્ણ કમળ મુખ કૃપાનિધિ થાય
વહાલો દૈવી ઉદ્ધારણ પ્રયત્ન ઉપાય જેના સ્મરણ માત્રથી આરતી થાય
શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકટાય સાકાર બ્રહ્મનો વાદ સ્થાપાય
વેદ પારંગ ચૌદહ ભુવન કહેવાય માયાવાદ નિરાકૃત સહુ મળી ગાય
સર્વ વાદી નિરાસ કીધા તે લખાય ભક્તિ માર્ગ સરસ કમળ વિકસાય
કૃષ્ણ ભક્તિ કરે જન શિક્ષા કાજ આપે અખિલ ઇષ્ટ શ્રી વલ્લભરાજ
સર્વ લક્ષણથી સમ્પન્ન વિવેક શ્રી કૃષ્ણ જ્ઞાનદાતા ગુરુ એક
પોતાના આનંદથી બહુ પુષ્ટ એના કમળ પત્રસા નેત્ર સંતોષ્ટ
કૃપા દૃષ્ટિનો વૃષ્ટિથી હરખ્યા મન તે દાસ દાસી પ્રિય પતિને અનન્ય
રોષ દૃષ્ટિ કરે ભક્તિ શત્રુ પ્રજાલ ભક્ત સેવન્તા સુખ સેવા રસાલ
જેની ભક્તો વિના નહીં સેવા સાધ્ય તે કારણથી કહીએ દુરારાધ્ય
જેના ચરણ સરોજ દુર્લભ દર્શાય તેના ઉગ્ર પ્રતિાપ ત્રૈલોકમાં કહેવાય
વચનામૃત કરી પૂર્યા સેવકના અર્થ શ્રી ભાગવત અમૃત મથન સમર્થ
તેનો સાર કહીએ વ્રજ સુંદરિ નો ભાવ તે પરિપૂર્ણ છે દેહ ભરાવ
સાન્નિધ્ય માત્ર કરે કૃષ્ણ પ્રેમ ભક્તિ મુક્તિ દેવાનું એહને નેમ
એક રાસલીલામાં તેમનુ તાન પ્રભુ કૃપા કરી ને કરે કથાનું દાન
વહાલો વિરહના અનુભવને હિત કાજ સર્વ ત્યાગ જણાવ્યો શ્રી વલ્લભરાજ
ઉપદેશ કર્યો ભક્તોમાર્ગ આચાર લોકમાહે જણાવ્યું કર્મમાર્ગ પ્રચાર
વેદ શાસ્ત્ર કહ્યું યજ્ઞાદિક દાન તેનું ફળ મર્યાદા ભક્તિ નિદાન
પ્રભુ પૂર્ણનંદ છે પૂરન કામ સરસ્વતિ ના પતિ દેવ ઈશ અભિરામ
વહાલે સહસ્ત્ર કહ્યું પુરુષોત્તમ નામ નિજજનનો આશ્રયનુ છે ધામ
ભક્તિમાર્ગની રીત કરવા ઉપદેશ બહુ ગ્રંથ કરીને ટાળ્યો સંશયનો લેશ
જેને પામવાને છોડ્યા પ્રાણથી પ્રિય એવા ભક્ત સમાજ વિરાજે શ્રીયે
આપ સાધન કરે નિજ દાસને કાજ એવા સમર્થ શ્રી વલ્લભ મહારાજ
કરવા ભક્તિ પ્રચાર ભૂતલ માહી વંશ કીધા પિતા થઇને ગ્રહિ બાહી
સર્વ સામર્થ્ય ધર્યુ પોતાને વંશ ગર્વ દુર કરી ટાળ્યો સંશયનો અંશ
પ્રભુ પતિવ્રતાના પતિ સાક્ષાત કરે યમલોક પરલોક દાન વિખ્યાત
જેના અંતઃ કરણ છે ગુઢ અપાર અંગીકૃતને જણાવ્યું મનનો વિચાર
ઉપાસનાદિક માર્ગ જે અન્ય તેનો મોહ ટાળી ને કીધા સેવક અનન્ય
કર્યો નિશ્ચય જે ભક્તિ સર્વથી વિશેષ કીધો શરણ માર્ગનો જુદો ઉપદેશ
શ્રી કૃષ્ણના મનની જાણે વાત લીલા કુંજ વિહારી પરિપૂર્ણ ગાત
કથારસ મગ્ન સદા છે ચિત્ત વિસર્યુ સૌ તે થી બીજું વિત્ત
પ્રિય છે ઘણું વ્રજ ને વ્રજનો વાસ કરે પુષ્ટીલીલા એકાંત વિલાસ
કરે ભક્ત ઇચ્છા પરિપૂર્ણ દાન નથી નહીં લીલાનું કોઈને જ્ઞાન
અતિ મોહિત જેનુ શીલ ઘણું નહિ લોક વિષે આસક્તિ અણું
નિજ ભક્ત વિષે આસક્તિ છે એક પ્રભુ પાવન કીધા પતિત અનેક
જે કરે પોતાના ગુણનું ગાન તેના હૃદય કમળ રહેવાનો સ્થાન
નિજ યશરૂપિ અમૃત લહરી તેથી ભીજવી સર્વ રસ વાસના હરી
પ્રભુ પોતે સર્વથી છે પર ના કરે તુલ્યતા કોઈ અવર
લીલારસ અમૃત તરંગ બહુ ભીજવ્યા છે ભક્ત શરીર સહુ
રુચિ આપે ગિરિ ગોવર્ધન વાસ તે લીલામાં છે અતિશય ઉલ્લાસ
કરે યજ્ઞ ભોગ ને યજ્ઞ કર્મ આપે અર્થ કામને મોક્ષ ધર્મ
પ્રભુ સત્ય વચન છે ત્રિગુણાતીત નીતિ ચતુરાઈ છે અતિ અગણિત
કરવા પોતાની કીર્તિ પ્રકાશ કર્યુ વ્યાસસૂત્રનું નૂતન ભાષ્ય
અતિ તુચ્છ તુલ્ય જે માયાવાદ કરી ભસ્માગ્નિ સ્થાપ્યો બ્રહ્મવાદ
અપ્રાકૃત ભૂષણની અતિ કાંતિ હસતાં મુખ શોભે છે બહુ ભાંતિ
પ્રભુ ત્રણે લોકના ભૂષણસાર પ્રકટ્યા ધરણીનું ભાગ્ય અપાર
પ્રભુ સુંદરતા છે અતિ અનૂપ કેમ વર્ણન કરી શકું એ સ્વરૂપ
સૌ માંગે છે પોતાના જન ચરણારવિંદની રજ જે ધન
એ કહ્યા એકસો રે આઠે નામ શ્રી વલ્લભ આનંદનું છે ધામ
જે કોઈ શ્રદ્ધા કરી નિત્ય ગાય તેને મન પહેલું સ્થિર થાય રે
અધરામૃતની સિદ્ધિ પામે રે તેમાં સંશયનું નહીં નામે રે
એ પામ્યા વિના મોક્ષ છે હીન રે તેના ફળમાં મુક્તિ છે લીન રે
તેથી સર્વોત્તમ જપ કરવો રે શ્રી કૃષ્ણ રસે મન ભરવો રે
શ્રી વિઠ્ઠલ ઉચ્ચરિત એ નામ રે જે કોઈ ગાય પૂરે તો કામ રે
તેણો જન્મ સફળ કરી લેખે રે તે શ્રી વ્રજભૂષણજીના તેના સુખ દેખે રે
ઇતિ શ્રી સર્વોત્તમ જી ઢોલ સમાપ્ત